પાલનપુર હાફ મેરેથોન ૨૦૨૬

ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ આ મેરેથોન દોડવાનું નક્કી કરેલું, સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું હતું કે આખા વર્ષમાં એક પણ વખત ૧૦ કિમી કરતા વધુ અંતર દોડ્યા ન હોય અને સીધા જ હાફ મેરેથોન કરવા જવું એ એક પ્રકારનું સાહસ જ કહેવાય. એટલે એક સરખા પેસ પર દોડવું એવું નક્કી કર્યું. જોશ ને બાજુ પર રાખવો. ટ્રેનની ટિકિટ પહેલેથી હતી એટલે પાલનપુર પહોંચ્યો ત્યારે પપ્પાએ બિબ નંબર લઈને રાખ્યો હતો. કેયુર જોડે ગાડીમાં સવારે બાલારામ જવાનું નક્કી કર્યું અને શનિવારે પાલનપુરમાં એક વોક કરી જૂની યાદો તાજી કરી.

સવારે સમયસર તૈયાર હતો અને અજાણ્યા લોકોને કૂતરું કરડે એટલે સવારે પપ્પા દિલ્હી ગેટ સુધી મૂકવા આવ્યા. કેયુર અને અનિતા આવી ગયા હતા અને અમે ફટાફટ બાલારામ પહોંચી પણ ગયા. હાફ મેરેથોન માટે ૬.૪૦ નો સમય હતો, પાંચેક મિનીટની રાહ જોવડાવી અને અમે ઠંડીમાં થથરી ગયા. કહેવાની જરૂર છે કે હું અહીં કોઈ પણ પ્રકારના ઠંડી પ્રતિરોધક વસ્ત્રો વગર જ આવ્યો હતો. એકાદ કિમી દોડ્યા પછી કોઈ ગરમ વસ્ત્રોની જરૂર પડી નહીં પણ હાથ ગરમ થતા પાંચ કિમી લાગી ગયા!

આ આખો રસ્તો સરસ છે. સીધો નથી પણ એટલો પણ ચઢાણ વાળો નથી. ગયા વર્ષે ૧૦ કિમી પછી મારો ડાબો પગ બૂમો પાડતો હતો એટલે આ વખતે ધ્યાનથી દોડ્યો અને યુ ટર્ન સુધી ૧ કલાક ૧૦ મિનિટ થઈ ગઈ હતી એટલે નક્કી હતું કે હવે ૨.૩૦ કલાક લાગશે. વળતો રસ્તો હવે ખબર હતી. એક ઢાળ પર આરામથી ચાલ્યો એ સિવાય ક્યાંય ઊભા રહેવાનું બન્યું નહીં. દર કિમી પર ઢોલ વાગતા હતા જે ૧૫ કિમી પછી ઠંડા પડી ગયા હતા. આ વખતે હાફમાં લોકો ઓછા લાગ્યા અને આયોજકોનો જોશ પણ ઠંડો લાગ્યો.

ત્યાર પછી કઈ પણ નવાજુની વગર રેસ પૂરી કરી અને મહત્વનો એવો મેડલ મેળવ્યો.બે ત્રણ જણા ઓળખીતા દેખાયા અને પછી નાસ્તો કરી અમે પાલનપુર જવા નીકળ્યા. રસ્તામાં કેયુરે મસ્ત ફાફડા-જલેબી ખવડાવ્યા. મેરેથોન પછી રિકવરી માટે ફાફડા એ મસ્ત વસ્તુ છે.

કાર્તિક અને 🥇

તો આ હતી અમારી મેરેથોન. હવે મુંબઈ મેરેથોન આવે છે ને એમાં તો ૪૨.૨ કિમી દોડવાનું છે. અત્યારથી જ પગ થથરી રહ્યા છે!

નોંધ: આ આખી પોસ્ટ મોબાઈલ પર લખી છે. લખ્યું-ના લખ્યું માફ કરજો.

૨૦૨૫ના બોધપાઠ અને ૨૦૨૬ના સંકલ્પો

બોધપાઠતો આપણે લેતા નથી અને સલાહ તો કોઇને આપતા નથી. હા, ન પૂરા થાય તેવા સંકલ્પો જરુર કરીએ છીએ.

તો પણ, ૨૦૨૫ના બોધપાઠ્સમાં જોઇએ તો,

  • શરીર સાચવવું એ હવે અઘરું બનતું જાય છે. વધારે પડતી રાહ ન જોવી અને ડોક્ટરને બતાવી દેવું.
  • શરીર સાચવવું એ વધતી ઉંમર સાથે વધારે અઘરું છે. દસ વર્ષ પહેલાની ફીટનેસ છે, પણ એ પ્રકારનું ફીટ હોય એવું મન નથી. એટલે હવે, માનસિક ફીટનેસની પણ જરુર છે.
  • લોકો મૂર્ખ છે, પણ એ લોકોમાં આપણો પણ સમાવેશ થઇ જાય છે અને દે દામોદર દાળમાં પાણી થઇ જાય છે.
  • ઉત્સાહ સારી વસ્તુ છે, પણ આગળ-પાછળ જોઇને કોઇ ઇવેન્ટ્સમાં નોંધણી કરાવવી.
  • દીપડાઓ ક્યુટ હોય છે, પણ રાત્રે સામે આવી જાય તો ક્યુટ નથી હોતા (સત્ય સાયકલિંગ ઘટના પર આધારિત બોધપાઠ) હા, મરાઠીમાં દીપડા એટલે બીબટ્યા શબ્દ બહુ જ ક્યુટ છે!
  • ગુસ્સો સારી વસ્તુ નથી.

હવે ૨૦૨૬ના સંકલ્પો:

  • ગુસ્સા પર નિયંત્રણ રાખવું.
  • નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું.
  • દોડવું. ખરેખર નિયમિત દોડવું.
  • વાચન અને લેખન ફરી શરુ કરવું.
  • સ્વિમિંગ/તરતા શીખવું. ખબર નહી પણ કેમ આ ડર ક્યાંથી બેસી ગયો છે? આ ડરની આગળ જ મારી જીત છે.
  • નવા કાર્બન વ્હીલ્સ અને ગ્રાવેલ બાઇક લેવી 😀

અપડેટ્સ – ૨૫૯

સપ્ટેમ્બર તો ગયો અને આખો ઓક્ટોબર પણ ગયો અને હવે તો નવેમ્બરના પણ દિવસો ગણાય છે, આ બ્લોગની જેમ જ. નવા જૂનીમાં એવું બન્યું કે નવી કાર લેવાના કીડા ઉપડેલા જે છેવટે કાર લઇને જ જંપ્યા. મને તો કાર ચલાવતા હજુ ખાસ આવડ્યું નથી અને કવિન મસ્ત રીતે ડ્રાઇવ કરે છે એ જોતા મારે પોતાની નવી કાર લેવાના દિવસો આવશે. ત્યાં સુધી કારમાં જાત જાતની વસ્તુઓ (ie accessories) મંગાવી રહ્યો છું અને ખર્ચા વધારી રહ્યો છું.

મને એમ કે કાર આવ્યા પછી સાયકલિંગ ઓછું થઇ જશે. ના બાબા ના. ઓક્ટોબરમાં એક ૬૦૦ કરી અને પછી નવેમ્બરમાં એક મસ્ત ૬૦૦ કરી. બંનેએ મને થકાવી નાખ્યો પણ મઝા એમને એમ આવે? આ બધાના ચક્કરમાં નેવી હાફ મેરેથોન પડતી મૂકી. હા, ત્યાં બીબ લેવા ગયા અને લીઓપોલ્ડમાં પાસ્તા અને બિયરનો કોમ્બો માણી અને કોલાબા માર્કેટમાં શોપિંગ કરીને પાછા આવ્યા. ભલે મેરેથોન ન કરી, પણ મઝા આવી. બીજી બે હાફમેરેથોન અને મેરેથોન તો આગલી પોસ્ટમાં લખ્યું તેમ આવી જ રહી છે. તૈયારી ઝીરો છે, પણ આપણે હીરોહિતોની જેમ જ દોડવાનું. બે ૬૦૦ કર્યા પછી ૧૨૦૦ માટે તૈયારી પાક્કી છે. જોકે ૧૨૦૦ એ આખી અલગ વસ્તુ છે અને ચોથા દિવસે જે ઊંઘ આવે એની વાત જ અલગ છે. અને હા, યાદ આવ્યું કે એકાદ ૧૫૦૦ કિમીની પણ તૈયારી કરવાની વાતો સંભળાય છે!

મુંબઈમાં ઠં઼ડી નથી પણ પ્રદૂષણ છે. હવે તો અમે પણ તેમાં ફાળો આપીએ છીએ એટલે એ બાબતે કોઇ પોકળો વિરોધ કરવાની હિંમત નથી.

અપડેટ્સ – ૨૫૮

સપ્ટેમ્બર આવ્યો અને પેલી કદી ન ગમેલી એવી છ માસિક પરીક્ષાની જેમ તાવ લેતો આવ્યો. આ વખતે શરીરમાંથી સમગ્ર તાકાત ખેંચી લેતા તાવનો અનુભવ થયો. ગયા રવિવારે તુંગારેશ્વરની નાનકડી ટ્રીપ કરી અને રાત્રે ઘરે આવીને થાક લાગ્યો ત્યારે મને નવાઇ લાગી. મને એમ કે આખો દિવસ પલળ્યા અને ચાલ્યા એટલે આવું થયું હશે, પણ થોડી વારમાં તો શરીર ગરમ થયું. સોમવાર સવારે તો મને લાગ્યું કે હવે ડોક્ટરને બતાવવા જવું પડશે. વળી, વરસાદ પણ ભારે એટલે માંડ માંડ ટેક્સીમાં ડોક્ટરને મળ્યા. જોકે એક જોડી કપડા, મોબાઇલ ચાર્જર (આ કેમ ભૂલાય?) અને હોસ્પિટલમાં દાખલ થવાની તૈયારી સાથે જ ગયેલો 😉 જોકે એવી ઘટના ન બની અને ડોક્ટરે કેટલાક ટેસ્ટ વગેરે કરાવ્યા પછી તેમાંથી વાયરલ ઇન્ફેક્શન નીકળ્યું. તો પણ, ચાર દિવસમાં ટાંટિયા ઢીલા થઇ ગયા!

ટાંટિયા ઢીલા થયા પછી આખું અઠવાડિયું આરામ કર્યો અને નવરાત્રિના નવ દિવસ નવ કિમી દોડવાનો પ્લાન હતો, જે પહેલા દિવસે જોશમાં શરુ કર્યો અને બીજા દિવસે ખબર પડીકે આ તો વધુ થયું. એટલે એક દિવસ આરામ કર્યો અને ફરી દસ કિમી દોડ્યો અને ફરી પાછો જમણો પગ ઇજાગ્રસ્ત થયો. બોધપાઠ: ઉંમર વધી રહી છે, આરામથી દોડવું.

પાલનપુર હાફ મેરેથોન ૪ જાન્યુઆરીના રોજ છે. રજીસ્ટ્રેશન તો કરાવી જ દેવાનું અને એ પછી મુંબઈ મેરેથોન છે. એ પહેલા એકાદ-બે નાની-મોટી દોડ કરીશું અને મઝાની લાઇફ જીવીશું.

અપડેટ્સ – ૨૫૭

લો ત્યારે, આપણો પ્રિય એવો સપ્ટેમ્બર મહિનો પણ આવી ગયો. કારણ? હવે વર્ષના અંતમાં માત્ર ચાર જ મહિના બાકી રહે છે. ના. સાચું કારણ એ કે હવે વરસાદ ઓછો થાય અને આરામથી બહાર સાઇકલ ચલાવી શકાય. એમ તો, આરામથી ના કહેવાય કારણ કે રસ્તા પરના ખાડાઓ, રોંગ સાઇડથી આવતા બાઇક્સ, કાર, જેમ તેમ ચલાવતા ખટારાઓ અને મન ફાવે તેમ રસ્તો ઓળંગતા લોકો આપણને ક્યાં આરામથી કશું કરવા દે છે. જે હોય તે, અમે તો સાઇકલ ચલાવીશું. આ મહિનામાં એક ૪૦૦, પછી આવતા મહિને એક ૬૦૦ અને પછી પૂણે થી ગોવા પેલી ડેક્કન ક્લિફહેંગર રેસ (જે છેક ૨૦૧૭માં કરેલી, પણ આ વખતે સેલ્ફ સપોર્ટેડ કરીશ) અને પછી એક ૧૨૦૦. વચ્ચે અમારી ક્લબની ૧૫૦ + ૧૦૦ તો ખરી જ. બસ, મઝાની લાઇફ.

સાઇકલ સિવાય સ્પોર્ટ્સમાં રનિંગ સાવ ઠંડુ છે. એટલે, જ્યાં સુધી એક-બે ઇવેન્ટ નહી કરું ત્યાં સુધી દોડવા માટેનો માહોલ જામશે નહી. ખબર નહી ક્યારે જામે, પણ જલ્દી જામે તો સારું કારણે ૨૦૨૬ની ટાટા મુંબઈ મેરેથોનનું રજીસ્ટ્રેશન તો કરી દીધું છે અને એના અઠવાડિયા પહેલા પાલનપુર હાફ મેરેથોન પણ કરવાની છે. આ વખતે કોકી અને કવિન પણ ડ્રીમ રનમાં ભાગ લેશે એવી વાતો સંભળાય છે.

સાઇકલિંગ અને રનિંગ સિવાય જીવનમાં બીજું શું હોય? બિલાડીઓ તો હોય જ. અમારી કિકિ અમને દરરોજ ૫ વાગે જગાડે છે. અમને એટલે કે મારે જ ઉઠવું પડે અને તેને ખાવાનું આપવું પડે. મને જગાડીને તે પોતે આરામથી સૂઇ જાય. છે ને મઝાનું પ્રાણી? તો પણ વ્હાલું છે!

આ બ્લોગ પર પધારેલા જૂના જોગીઓ અને તેમની ટીપ્પણીઓને કારણે આ પોસ્ટ લખાઇ છે. મળતા રહીશું.

અપડેટ્સ – ૨૫૬

આજના ૨ અપડેટસમાં સ્વાગત છે.

વર્ડપ્રેસની સાથે સાથે મારા બ્લોગની પણ પથારી ફરી ગઇ છે. જેવો પણ હોય, હજુ સુધી અડીખમ છે ખરો. બીજા પ્લેટફોર્મ પર જવાનું વિચારતો હતો, પણ એમાય કંટાળો આવે છે અને સેલ્ફ હોસ્ટેડ બ્લોગ સિવાય કોઇ સારો વિકલ્પ દેખાતો નથી. દર વર્ષે હોસ્ટિંગ અને ડોમેઇન જાળવવાની ઝંઝટ લાગે છે. પણ, આ દિશામાં થોડું વિચારવું જ પડશે.

અપડેટ્સમાં તો સાયકલિંગ પ્રસંગો સિવાય કોઇ ખાસ ઘટનાઓ બનતી નથી. મોટરબાઇક પણ સાઇડ પર છે, એટલે કે પાર્કિંગમાં છે. વરસાદ થોડો લંબાયો છે એટલે એની ટ્રિપ પર પણ પડદો પડી ગયો છે. સાયકલિંગમાં જોઇએ તો જૂનમાં ૧૨૦૦ કિમી બીઆરએમ કરી એ યાદગાર ગણી શકાય અને પછી ઓગસ્ટમાં લંડન-એડિનબર્ગ-લંડન (LEL) જવાનું હોય એ પ્લાન પડતો મૂકાયો એ પણ યાદગાર ગણી જ શકાય. ઓગસ્ટમાં પડતા મૂકાયેલા બીજા પ્લાનમાં ૧૨ કલાકની મુંબઈ અલ્ટ્રા રન પણ ઉમેરી શકાય. આ રન અત્યાર સુધી ૬ વખત કર્યા પછી આ વખતે પ્રક્ટિસ તો નહોતી કરી પણ, હવે કંટાળો આવ્યો એટલે બે દિવસ પહેલા જ નક્કી કર્યું કે, નથી જવું!

ઇન્ડોર સાયકલિંગમાં હજુ પણ મઝા આવે છે. ઉંમર વધતાની સાથે આંખો નબળી પડતા ઝ્વિફ્ટ માટે હવે એક સસ્તું ટેબ્લેટ લીધું છે, જેનો એકમાત્ર ઉપયોગ એના માટે જ થાય છે. સ્પોર્ટ્સમાં ચેસ રમવાનું શરુ કર્યું એ પણ એક નવી વસ્તુ છે.

બીજી બે-ત્રણ નવી વસ્તુઓનો પ્લાન છે, જે પડતો નહી મૂકાય એવી આશા સાથે, નવી પોસ્ટમાં મળીએ!

PS: કિકિ મઝામાં છે.

પહેલી પોસ્ટ

આજથી ૨૦ વર્ષ પહેલા આ બ્લોગની પહેલી પોસ્ટ મૂકાઇ હતી અને બક્ષીબાબુની શ્રધ્ધાંજલી આપીને બ્લોગની શરુઆત કરી ત્યારે બહુ જોશ હતો કે હું પણ કંઇક સારું લખીશ. આજની તારીખે સારું લખવાનું તો શું લખવાનું પણ, અરે વાચન પણ બંધ થઇ ગયું છે. છતાંય, મનમાં ક્યાંક-ક્યારેક થાય છે કે આ બ્લોગ હજુ પણ જીવંત રાખીએ. વર્ષોના ચક્રવાતો, જવાબદારીઓ (?), સારા-માઠા પ્રસંગો વચ્ચે પણ આ બ્લોગે સરસ ટેકો આપ્યો છે, એ કેમ ભૂલાય? હવે મારું મોટાભાગનું ધ્યાન તો સાયકલિંગ-રનિંગ કે બીજા સોશિઅલ મિડિયા પર જ જતું રહ્યું છે. વર્ડપ્રેસના આમેય વળતા પાણી છે. બ્લોગ જેવી માહિતી તમને જો શોર્ટ વિડિયોમાં મળી જાય તો અહીં કોણ આવે? છતાંય, ક્યંક કોઇ આવી જાય તો – તેમને હેલ્લો, હાય, કેમ છો? કહું છું.

હાલમાં વંચાઇ રહેલા પુસ્તકો:

૧. તિલોર – ધ્રુવ ભટ્ટ

૨. રખડપટ્ટી અને હું – સેજલ ચેવલી (થેન્ક્સ, સેજલબેન!)

૩. ૫૧ શ્રેષ્ઠ વાર્તાઓ – સંપાદન: યોગેશ ચોલેરા

૪. ચંદ્રકાન્ત બક્ષીના શબ્દોનો રોમાંશ – સંપાદન: મૌલિકા દેરાસરી

અપડેટ્સ – ૨૫૫

  • થોડું વાચન પણ શરુ કર્યું છે. આ વર્ષે કોઇ ચોક્કસ ટારગેટ નથી, પણ હું પાછો આવીશ!

૭૦ કલાક કામ અને ૫ વાગે ઉઠવાની કળા

  • નારાયણકાકાએ હજુ પણ ૭૦ કલાક કામ કરવાનું પૂંછડું પકડી રાખ્યું છે, જ્યારે જાપાન અને સ્પેન જેવા દેશોએ અઠવાડિયામાં ૪ દિવસ અને ૫ દિવસ જ કામ કરવા માટેની તૈયારીઓ શરુ કરી છે. મારા સાથીકાર્યકરો જેઓ સ્પેનમાં છે, તેઓની સરકાર જ લોકોને ફરજિયાત ૪ દિવસ કામ કરવા માટે ફરજ પાડી હતી. જોકે તે માત્ર ટેસ્ટિંગ હતું અને લોકોનો પ્રતિસાદ કેવો આવે છે તે જોવા માટે હતું. જાપાનમાં કોઇ ઓળખીતું નથી, એટલે ગ્રાઉન્ડ લેવલ પર શું ચાલી રહ્યું છે તે ફાલતુ સમાચારપત્રો પર આધાર રાખવું પડે છે.
  • હવે મારી વાત કરીએ તો “૫ AM ક્લબ” નામનું પુસ્તક વાંચવાનું શરુ કર્યું એ પહેલા જ અમારી બિલાડી (કિકિ)એ અમને પ વાગ્યા પહેલા જ ઉઠવાની ટેવ પાડી છે, જોકે અમે તેને થોડું પંપાળીને થોડું ખાવાનું આપીને સૂઇ જઇએ છીએ એટલે આ ક્લબમાં જોડાવા માટે અમે હજુ તૈયાર નથી એવું લાગે છે. કવિનને સેમિસ્ટર બ્રેક પછી હવે જો સવારની કોલેજ થાય તો, પ શું ૪.૩૦ વાગ્યાની ક્લબમાં જોડાવું પડશે એ નક્કી છે.
  • સવારે ઉઠવાની કળાની વાત કરીએ તો જો મારે બી.આર.એમ. હોય તો ૫.૩૦ વાગે મુલુંડ પહોંચવું પડે અને અહીં શિફ્ટ થયા પછી ૩૦ કિમી દૂર જવાના બે રસ્તા છે – ૧. સવારે ૩ વાગે ઉઠીને કલાકમાં તૈયાર થઇને ૪ વાગે સાયકલ લઇને જવું. ૨. સવારે ૩.૩૦ વાગે ઉઠીને ૪.૩૦ વાગ્યાની ટેક્સી લેવી. ટેક્સી કરવાના ગેરફાયદા એ કે પૈસા બગડે અને સવાર-સવારમાં જો ડ્રાઇવર ટેક્સી લેવાની ના પાડે તો મગજ પણ બગડે. ભલે થોડો થાક લાગે પણ, હવે નક્કી કર્યું કે સાયકલ ચલાવીને જ જવું. જોકે ૬૦૦ કિમી કે ૧૨૦૦ કિમી હોય તો થોડું વધારે પડતું થઇ જતું હોય છે. તો પણ, આ પગ માનતા નથી 😉
  • અને હા, ૭૦ કલાક કામ કરવા અમે તૈયાર નથી – ૭૦ કલાક સાયકલ ચલાવવા તૈયાર છીએ. ડિસેમ્બર ૪ થી ૮ – કુલ ૯૦ કલાક જેટલું સાયકલિંગ બરોડાથી વાયા સાપુતારા, મુંબઈ, લોનાવાલા, પુણે, સિંહગઢ, પોલાદપુર, મહાબળેશ્વર, સાતારા, કોલ્હાપુર, નિપાની, અઝરાથી ગોઆ કર્યું. મઝાની લાઇફ!

અપડેટ્સ – ૨૫૪

  • નવા ઘરમાં આગમન થયા પછી હવે જે કંઇ લખવાનો સમય મળતો હતો એ પણ ગયો, પણ હવે અહીં થોડો થોડો સ્થાયી થયો છું.
  • ૧૫ ઓગસ્ટે ૧૨ કલાક દોડ્યા પછી પગની કઢી થઇ હતી અને ત્યાર પછીના અઠવાડિયે ૩૦૦ કિમી બી.આર.એમ. કર્યા પછી પગ હવે કઢીની સાથે દાળ ઉમેર્યા તેવા થયા અને ડોક્ટરને ત્યાં જવું પડ્યું.
  • અહીં આવ્યા પછી સારી વાત એ છે કે ઇન્ડોર સાયકલિંગનું સેટઅપ સરસ સેટ થયું છે (એટલે કે જ્યારે સમય મળે ત્યારે). સાયકલને બાલ્કનીમાં મૂકવાથી હવાની અવર-જવરનો ફાયદો થયો છે, જેથી પરસેવાના ધોધની જગ્યા હવે નાના ઝરણાં જ વહે છે. ચોમાસું લગભગ પતી ગયું છે એટલે હવે વાતાવરણ ઓક્ટોબરના અંત સુધી પાછું ગરમ રહેશે પણ સાયકલિંગ સીઝન શરુ થઇ હોવાથી સાયકલ અહીંથી તેમ થતી રહેશે.
  • બી.આર.એમ.ની સીઝન હવે વધુ બે મહિના આગળ ગઇ છે, એટલે કે નવેમ્બર-ડિસેમ્બર સુધી એક જ સીઝન ગણાશે એટલે હવે પછીનું વર્ષ જાન્યુઆરીથી ગણાશે. એટલે કે આ વર્ષમાં હજુ ઘણું સાયકલિંગ બાકી છે. એમાં પણ, ડિસેમ્બરમાં ૧૨૦૦ આવે છે અને આપણા પાછા ગોઆ જઇશું.
  • ગોઆ પરથી યાદ આવ્યું કે આ વખતે બધા મિત્રો ગોઆ ગયા હતા, રોડટ્રીપ નહોતી પણ મઝા એવી જ રહી!
  • દિવાળી આવી રહી છે!!